મુશ્કેલીમાં ફસાયેલા મમતા દીદીઃ કરોડનો ફટકો? કલકત્તા હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો

દીદીનું એકાઉન્ટ ફ્રીઝઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમદીતા બેનરજીને કાનૂની મોરચે મોટો ઝટકો લાગ્યો છે. આજે કોલકત્તા હાઇકોર્ટ દ્વારા તેમના ફ્રીઝ કરવામાં આવેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગના (PMLA) એક કેસ હેઠળ ઇડી (ED – પ્રવર્તન નિદેશાલય) દ્વારા આ ખાતાઓને ફ્રીઝ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ રાજકીય અને કાનૂની સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પક્ષ બે જૂથોમાં વહેંચાઈ ચૂક્યો છે અને મમતા બેનરજી પાસેથી પાર્ટીનું નામ તેમજ પ્રતીક ચિહ્ન પણ છીનવાઈ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે.
હેલિકોપ્ટર અને વિમાન ખરીદીમાં કરોડોની શંકાસ્પદ લેવડદેવડ
કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ કૃષ્ણ રાવે આ મામલે વચગાળાનો આદેશ જાહેર કરીને બેંક ખાતાઓ પરનો પ્રતિબંધ હટાવવાની અરજી ફગાવી દીધી છે. આ સમગ્ર વિવાદ એપ્રિલ 2023થી જૂન 2026 વચ્ચે કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલી કંપનીઓ વચ્ચે થયેલા શંકાસ્પદ વ્યવહારો સાથે સંકળાયેલો છે. તપાસ એજન્સીના આરોપ અનુસાર, આ નાણાકીય વ્યવહારો એક લક્ઝરી ‘એમ્બ્રેયર લેગેસી 600′ વિમાન અને એક ‘અગસ્તા 109 ગ્રાન્ડ ન્યૂ‘ હેલિકોપ્ટરની ખરીદી માટે કરવામાં આવ્યા હતા.
કેવી રીતે શરૂ થઈ ઇડી (ED)ની તપાસ?
મીડિયા રિપોર્ટ પ્રમાણે, આ મામલાની શરૂઆત બિધાનનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક એફઆઈઆરના આધારે થઈ હતી. આ ફરિયાદમાં ખોટી રીતે નાણાકીય વ્યવહારો કરવા, ગેરકાનૂની રીતે ભંડોળ એકઠું કરવા અને રાજકીય પક્ષના ચોક્કસ બેંક ખાતાઓ દ્વારા શંકાસ્પદ ફંડને અહીંતહીં ટ્રાન્સફર કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે એક્શન લેતા ઇડીએ પીએમએલએ (PMLA)ની કલમ 17(1એ) હેઠળ કાર્યવાહી કરીને ત્રણ બેંક ખાતાઓમાં જમા થયેલા કુલ 440.42 કરોડ રૂપિયા ફ્રીઝ કરી દીધા હતા.
વિદેશી લોન અને કરોડો રૂપિયાનું ટ્રાન્સફર
ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે, એપ્રિલ 2023થી જૂન 2026ના ગાળા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાંથી મેસર્સ કેરવેલ એવિએશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહયોગી સંસ્થાઓને આશરે 160 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આમાંથી 82.96 કરોડ રૂપિયા હેલિકોપ્ટર અને વિમાન ખરીદવા માટે એક નવી બનેલી કંપનીમાં ટ્રાન્સફર કરાયા હતા. આ ખરીદીઓ પાછળ કુલ 112 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે
આ ઉપરાંત, વર્ષ 2023માં હેલિકોપ્ટરની ખરીદી માટે નાણાં ખૂટતા હોવાથી ટેક્સ હેવન ગણાતા કેમેન આઇલેન્ડ્સ (Cayman Islands) સ્થિત એક સંસ્થા પાસેથી 17 લાખ અમેરિકન ડોલરની અસુરક્ષિત લોન (અનસિક્યોર્ડ લોન)ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
પક્ષના ફંડમાંથી ખરીદી કરીને લીઝ પર આપ્યા હોવાનો આરોપતપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ વિમાન અને હેલિકોપ્ટર કથિત રીતે પાર્ટીના સત્તાવાર ફંડમાંથી મળેલા નાણાંનો ઉપયોગ કરીને ખરીદવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેને તૃણમૂલ કોંગ્રેસને જ લીઝ પર આપી દેવાયા હતા. એજન્સીનો આરોપ છે કે ત્યારપછીના સમયમાં આ જ વિમાનના વપરાશના બહાને મોટા પાયે નાણાંની ચૂકવણી કરવામાં આવી હતી. હાલમાં ઇડી આ તમામ નાણાકીય વ્યવહારો પાછળના અસલી ફાયદાકારક હેતુ અને કાળા નાણાંની કડીઓ શોધવા માટે ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.

