મમતા બેનર્જીના વાહન પર પથ્થરમારો, TMC સાંસદે ‘હત્યાના પ્રયાસ’નો આરોપ લગાવ્યો

TMC સાંસદ કલ્યાણ બેનર્જી (ફોટો એએનઆઇ)
કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીના વાહન પર રવિવારે પથ્થરમારો થયો હોવાનો TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો. તેમણે આ ઘટનાને ‘હત્યાના પ્રયાસ’ સમાન ગણાવી પોલીસ પર મૂકદર્શક બની રહેવાનો આક્ષેપ કર્યો હતો.
કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે તેઓ કસ્ટોડિયલ ડેથનો ભોગ બનેલા TMC કાર્યકરના પરિવારને મળવા ગયા હતા. આ દરમિયાન મમતા બેનર્જી પણ ત્યાં પહોંચી રહ્યા હતા. તેમના દાવા મુજબ, મમતા બેનર્જી સ્થળે પહોંચે તે પહેલાં જ ભાજપના કાર્યકરોએ તેમના વાહન પર મોટા પથ્થરો ફેંક્યા હતા.તેમણે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીને નિશાન બનાવી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમને મારી નાખવાનો પ્રયાસ હતો. તેમણે દાવો કર્યો કે ઘટનાસ્થળે ભાજપના સેંકડો કાર્યકરો હાજર હતા, જ્યારે પોલીસ મૂકદર્શક બની રહી હતી. કલ્યાણ બેનર્જીએ વધુમાં આક્ષેપ કર્યો કે આ સમગ્ર ઘટના પાછળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીનો નિર્દેશ હતો.
મમતા બેનર્જી ઉત્તર 24 પરગણામાં મૃત્યુ પામેલા TMC કાર્યકરના પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ કથિત હુમલો થયો હતો. તેમની સાથે કલ્યાણ બેનર્જી અને રાજ્યસભા સાંસદ ડોલા સેન પણ હતા.મમતા બેનર્જીએ પણ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેમણે કહ્યું કે પોલીસની હાજરીમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ તેમના વાહન પર મોટા પથ્થરો ફેંક્યા હતા. તેમણે દાવો કર્યો કે હુમલો એટલો ગંભીર હતો કે જો કારની બારીઓ ખુલ્લી હોત તો તેમના માથામાં ગંભીર ઈજા થઈ શકતી હતી અને કારમાં સવાર તમામ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા. તેમણે પોલીસ પર ભાજપને રક્ષણ આપવાનો પણ આરોપ લગાવ્યો.
ઘટનાસ્થળે ‘ચોર ભગાવો’ના નારા પણ સંભળાયા હતા.
દરમિયાન, પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ સમિક ભટ્ટાચાર્યએ હુમલાની નિંદા કરી હતી અને ભાજપનો આ ઘટનાથી કોઈ સંબંધ ન હોવાનો દાવો કર્યો હતો. તેમણે પોલીસને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવાની માગ કરી હતી. ભટ્ટાચાર્યએ કહ્યું કે આ મામલો જનતા અને TMC વચ્ચેનો છે.
મમતા બેનર્જીની કાર પર રેલી દરમિયાન હુમલો

